18 November 2018

સરકારી શાળાઓમાં કેટલા શિક્ષકો-વિદ્યાર્થીઓ હાજર છે તેની સરકારને રોજેરોજ ખબર પડશે

Wednesday, 14 Nov, 4.18 pm
ગુજરાતમાં પ્રથમ વખત સેન્ટ્રલ એટેન્ડન્ટ સિસ્ટમ સોમવારથી અમલમાં આવશે : રાજયમાં ૩રપ૦૦ પ્રાથમિક શાળાઓમાં પ૩ લાખ વિદ્યાર્થીઓ : હાજરીની નિયમિતતાની ચકાસણી સાથે ભૂતિયા વિદ્યાર્થીઓ અને શિક્ષકો પકડવા સરકારનો અત્યાધુનિક પ્રયોગ
રાજકોટ, તા. ૧૪ : રાજ્ય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરી પર રોજેરોજ નજર રાખવા માટે નવા શૈક્ષણિક સત્ર તા. ૧૯ નવેમ્બરથી કોમ્પ્યુટર આધારિત અત્યાધુનિક સેન્ટ્રલ એટેન્ડન્ટ સિસ્ટમનો અમલ થનાર છે. ગુજરાતમાં પ્રથમ વખત અને કદાચ દેશમાં પણ પ્રથમ વખત શાળાઓમાં આ પ્રકારની પદ્ધતિ આવી રહી છે. ભવિષ્યમાં બાયોમેટ્રીક પદ્ધતિ પણ આવી શકે છે.

                   શિક્ષણ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં ધો. ૧ થી ૮ સુધીની ૩૨૫૦૦ જેટલી સરકારી શાળાઓ છે. જેમાં ૫૩ લાખ જેટલા બાળકો નોંધાયેલા છે. શાળાએ આવતા બાળકો અને શિક્ષકોની હાજરી ચકાસવા માટે ખાસ એપ. બનાવવામાં આવી છે. જેમાં શાળાના જવાબદાર વ્યકિતએ દરરોજ નિયત સમય મર્યાદામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી અંગે એન્ટ્રી કરવાની રહેશે. માત્ર આંકડો નહિ પણ નામ જોગ માહિતી દર્શાવવી જરૂરી છે. જેનાથી રાજ્ય સરકારને કઈ શાળામાં કેટલા અને કયા શિક્ષકો તથા વિદ્યાર્થીઓની હાજરી છે તેનો તે જ દિવસે ખ્યાલ આવી જશે. શાળા તરફથી આપવામાં આવેલી માહિતીની ખરાઈ માટે સરકાર દ્વારા સરપ્રાઈઝ તપાસ કરવામાં આવશે. ખોટી માહિતી આપનાર સામે કાયદાકીય કડક પગલા ભરવામાં આવશે.

કેન્દ્રીય પદ્ધતિ મુજબની હાજરીની ચકાસણીથી શિક્ષકોની અનિયમિતતાની ફરીયાદો દૂર થશે. તેમજ ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓની માહિતી સરકાર સુધી પહોંચશે.
સરકાર જરૂર પડયે સતત અથવા વારંવારની ગેરહાજરીના કારણો તપાસી આગળની કાર્યવાહી કરી શકશે. ભૂતિયા શિક્ષકો અને ભૂતિયા વિદ્યાર્થીઓને ઝડપવા માટે આ નવી પધ્ધતિ ઉપયોગી થશે ખોટા નામથી અથવા અસ્તિત્વ વગરના નામથી કે માત્ર કાગળ પરના નામથી સરકારની શૈક્ષણીક યોજનાઓનો લાભ મેળવતા તત્વો પર લગામ આવશે. જેનાથી સરકારને આર્થિક ફાયદો થશે. સરકાર નવા સત્રના પ્રથમ દિવસથી જ એટેન્ડન્ટ સિસ્ટમ અમલમાં મુકવા માંગે છે જે શાળાઓમાં ઇન્ટરનેટની વ્યવસ્થા નથી ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવાશે. સિસ્ટમના અમલ પછી સમીક્ષા કરી જરૂરી સુધારા-વધારા કરવાની સરકારની તૈયારી છે.
પ્રાથમિક શાળાઓમાં હાજરીની આ ચકાસણી પધ્ધતિ સફળ થાય તો ભવિષ્યમાં સરકારી માધ્યમિક શાળાઓમાં પણ તે લાગુ કરવાનું વિચારાશે તેની સરકારી સુત્રો જણાવે છે.


આજથી શરૂ થતાં દ્વિતીય શેક્ષણિક સત્ર માટે આપ સૌને અભિનંદન....દ્વિતીય સત્ર ખૂબ આનંદદાયક રહે અને વિધાર્થીઓના , શાળાના ઉત્તરોત્તર વિકાસ માટે વધુ પ્રયત્નશીલ બનીએ એજ મંગલભાવના સાથે....દ્વિતીય સત્ર માટે પુનઃ શુભેચ્છાઓ...,